અર્વાચીન-પુરુષોત્તમ-યજ્ઞ ખંડન વાદ

श्रीकृष्णाय नमः | साकारब्रह्मवादस्थापकेभ्यः श्रीमदाचार्येभ्यो नमः|

यत्र येन यतो यस्य यस्मै यद्यद्यथा यदा

स्यादिदं भगवान साक्षात् प्रधानपुरुषेश्वरः ||||

सर्गादौ स्वमतं समस्य विधये यं ब्रह्मवादं जगौ

कौन्तेयोद्भवयोः प्राकाश्य च पुनर्वेदान्तसारं हरिः

तानाचार्यवरान्नमामि करुणान् श्रीवल्लभाख्यान् प्रभुन् ||

 

 

વિષય અને સંશય

સાંપ્રત કલિકાલમાં ઘણા દુષ્ટ અને પાખંડ સાધનોનો પ્રચાર અને પ્રસાર થઇ રહ્યો છે. આ પાખંડનો ઉદ્દેશ્ય માત્ર વિત્તોપાર્જન જ જણાય છે અને તે દ્વારા સામાન્ય ધાર્મિક શિષ્ય વર્ગને છેતરવાની વૃત્તિ દિવસે દિવસે વધતી જણાય છે. આવો એક દુષ્પ્રચાર સનાતન વૈદિક પુષ્ટિભક્તિ સંપ્રદાયમાં પણ શરુ થયો છે. શ્રીમદ્વલ્લભાચાર્ય મહાપ્રભુજી દ્વારા પ્રવર્તિત શુદ્ધ-પુષ્ટિ નિર્ગુણ ભક્તિમાર્ગનાં સિદ્ધાંતો ભુલાઈ રહ્યા છે અને સાંપ્રત કાલમાં આવા પાખંડ અને દુષ્ટ સાધનોના પ્રચાર દ્વારા આ સિદ્ધાંતોને મૂળરૂપથી વિકૃત કરી સ્વાર્થપોષણ અર્થે તેનો દુરુપયોગ થઇ રહ્યો છે. પુષ્ટિભક્તિ સંપ્રદાયમાં, શ્રીવલ્લભાચાર્ય મહાપ્રભુજીનાં મૂળ-સિદ્ધાંતોથી તદ્દન વેગળા એવા અપ-સિદ્ધાંતો જેમકે –

·        જાહેર ભગવદ્-સેવા પ્રદર્શન

·        આજીવિકાર્થ ભગવદ્-સેવા

·        આજીવિકાર્થ ભાગવત-આદિ શાસ્ત્રોનું પારાયણ

·        ભગવદ્પ્રસાદ-વિક્રય અને દેવલક્ત્વ

·        વિકૃત (સિદ્ધાંત વિરુદ્ધ) સાધનોના પ્રચાર દ્વારા વિત્તોપાર્જન

નું સમર્થન, પ્રવર્તન અને અમલીકરણ થઇ રહ્યું છે.  આવા અપ-સિદ્ધાંતોમાંનો એક અપ-સિદ્ધાંત ઘણો પ્રચલિત થયો છે અને તે છે – પુરુષોત્તમ-યાગ.

 

અર્વાચીન-પુરુષોત્તમ-યજ્ઞ

આ યજ્ઞમાં શ્રીમહાપ્રભુ શ્રીવલ્લભાચાર્ય દ્વારા વિરચિત ‘શ્રીપુરુષોત્તમનામ સહસ્ત્ર’ ગ્રંથમાંના પ્રત્યેક નામો સાથે ‘સ્વાહા’ ઉમેરીને યજ્ઞમાં હોમ કરવાની એક અર્વાચીન, નવીન, અવૈદિક, પુષ્ટિ-ભક્તિ અપ-સૈદ્ધાંતિક, વિત્તોપાર્જનાર્થ કૃતિ ની પ્રણાલી શરુ થઇ છે.

આ લેખનો ઉદ્દેશ્ય, આવા સાધનો કેટલા અંશે શાસ્ત્રીય/વૈદિક અને સંપ્રદાય પ્રવર્તક આચાર્ય-ત્રય (શ્રીવલ્લભાચાર્યજી, શ્રીગોપીનાથજી અને શ્રીવિઠ્ઠલનાથજી) નાં સિદ્ધાંતો સાથે સંગત છે, તેનો વિચાર અને સંશોધન કરવો.

 

સિદ્ધાંત

 

‘યજ્ઞ’ અને ‘હોમ’ શબ્દોના અર્થો:

 

‘યજ્ઞ’ શબ્દ यज्’ ધાતુ થી બનેલો છે. यज् ધાતુ નો અર્થ यज् देवपूजा संगतिकरण दानेषु’ અર્થાત यज् ધાતુ નાં અર્થો થાય છે

. દેવ પૂજા

. સંગતિ કરણ

. દાન

‘હોમ’ શબ્દ ‘हु’ ધાતુ થી બનેલો છે.

हुत् શબ્દ ની નિષ્પત્તિ પ્રકારો થી થાય છે

. हु धातु (हु दानाSदनयोः) દ્વારા થાય છે. તેથી હુત નો અર્થ દાન અથવા હવન થાય છે

. ह्वेञ शब्दे ધાતુ દ્વારા આહ્વાન થાય છે

 

વૈદિક યજ્ઞ કરવામાં તેના ષડ-અંગો, અધિકારી, વિધિ, વિનિયોગ, ફળ ઈત્યાદિની આવશ્યકતા રહે છે.  વૈદિક યજ્ઞ નાં મુખ્ય પાંચ પ્રકારો છે -  અગ્નિહોત્ર, દર્શપૂર્ણમાસ, નિરૂઢ-પશુયાગ, ચાતુર્માસ્ય, સોમ (સર્વ-નિર્ણય પ્ર. ૨). યજ્ઞનાં  અધિકારી માત્ર ત્રિવર્ણો ઉપનીત દ્વિજ જ છે. યાજનના અધિકારી ઋત્વિજ બ્રાહ્મણ હોય છે. અને યજ્ઞનાં ૬ અંગો -  દેશ, કાલ, કર્તા, મંત્ર, કર્મ, દ્રવ્ય છે.

 

વૈદિક યજ્ઞ કરવા માટે મંત્રો, સંહિતા-ભાગ માંથી અને વિધિ કલ્પસુત્રોમાંથી અને કયા મંત્રો દ્વારા કયા દેવતા ની સ્તુતિ કયા મનુષ્ય દ્વારા કયા સમયે  કયા યજ્ઞમાં વિનિયોગ કરવો તે બ્રાહ્મણભાગમાંથી પ્રાપ્ત થાય છે.

આ સમજ્યા બાદ, આ ‘અર્વાચીન પુરુષોત્તમ યજ્ઞ’ કેટલા અંશે શાસ્ત્રીય છે તેની છણાવટ કરીએ તો નીચે પ્રમાણે પ્રાપ્ત થાય છે –

 

‘અર્વાચીન પુરુષોત્તમ યજ્ઞ’ કેટલા અંશે શાસ્ત્રીય અને ફળદાયક?

 

૧. આ પુરુષોત્તમયજ્ઞની વિધિ કોઈ પણ કલ્પસુત્રોમાં પ્રાપ્ત થતી નથી.

૨. આ પુરુષોત્તમ યજ્ઞમાં વપરાતા મંત્રોનાં દ્રષ્ટા ઋષિ દ્વારા આ મંત્રોનો વિનિયોગ માત્ર કૃષ્ણભક્તિનાં અર્થે અને તેનો માત્ર જાપ/પાઠનીજ આજ્ઞા મળે છે. હોમ ની નહિ!!

૩. પુષ્ટિમાર્ગીય આચાર્યત્રયી અને વિદ્વાન પૂર્વઆચાર્યવંશજ જેમકે (શ્રીગોકુલનાથજી, શ્રીપુરુષોત્તમજી લેખવાળા, શ્રીહરિરાયજી, શ્રીયોગીગોપેશ્વરજી, આદિ) દ્વારા આવા યજ્ઞનો કોઈ ઉલ્લેખ મળતો નથી.

૩. યજ્ઞમાં આવશ્યક અંગો કલિકાલમાં શુદ્ધ અને તેથી ફળ આપવામાં સામર્થ્યવાન રહ્યા નથી – કૃષ્ણાશ્રય અને સર્વ-નિર્ણય ગ્રંથમાં (૨૨૧-૨૨૨) તેનો ઉલ્લેખ સ્પષ્ટ મળે છે. મ્લેચ્છ દેશોમાં (અમેરિકા આદિ) પણ વૈદિક યજ્ઞો કરવામાં આવે છે અને તેની ફળરૂપતા નથી અને તેથી જે આવા યજ્ઞો કરાવે છે તે નર્યો પાખંડ-માત્ર જ છે. વિદેશયાત્રા કરવા માત્રથી જે પતિત થઇ જાય છે ત્યાં તો વિદેશમાંજ સોમ-યજ્ઞ આદિ કરવામાં શું સાર? આતો એવી વાત થઇ કે - મદિરાનું પાત્ર ગંગાજળથી ધોવું!! આવા મદિરાનાં પત્રો શુદ્ધ થતા નથી તેમ વિદેશમાં (મ્લેચ્છ દેશ) માં વૈદિકયજ્ઞ કરવાથી શું ફળ પ્રાપ્તિ?!!

वर्णाश्रमवतां धर्मे मुख्ये नष्टे छलेन तु | क्रियमाणे न धर्मः स्यादतस्तस्मान्नमोचनम् ||सर्व. नि. २२१|||

યથાવિધિ ઉપનયન કરવામાં આવે તો બ્રાહ્મણત્વ આદિ દેવતાનો સંસર્ગ દેહને વિશે થાય છે, અને ત્યારે દેહને બ્રાહ્મણત્વ આદિરૂપતા પ્રાપ્ત થાય છે. બ્રાહ્મણપણું પોતાની વૃત્તિ અર્થાત ધંધો વા કાર્ય ઉપર આધાર રાખે છે એમ મહાભારતના આજગર પ્રકરણ માં કહ્યું છે. આથી સર્વ વર્ણોનું જ્ઞાન તે તે વર્ણોની વૃત્તિથી થઇ શકે છે. વૃત્તિથી વર્ણનો નિશ્ચય કરવામાં ન આવે અને જો પ્રત્યેક વર્ણ સ્વ-સ્વવૃત્તિ યથાર્થ ન કરે તો વર્ણનો આભાસ થાય છે. તેજ પ્રકારે ભિન્નભિન્ન આશ્રમમાં કહેલા આચાર પાલવવામાં આવે તોજ આશ્રમ સિદ્ધ થાય છે, નહિ તો આશ્રમનો આભાસમાત્રજ થાય છે. તેથી વર્ણના તથા આશ્રમના યથોક્ત વૃત્તિ આદિતથા આચાર પાળવામાં આવે તોજ વર્ણાશ્રમ સિદ્ધ થાય છે. પરંતુ આધુનિક સમયમાં વર્ણ-આશ્રમ ધર્મો નું પાલન અશકય થઇ પડ્યું છે. આ પ્રકારે વૈદિક ધર્મનો અંગભૂત અધિકાર નષ્ટ થયો છે, તેથી યથાર્થ વૈદિક ધર્મઆદિ કોઈ કરી શકતું નથી. એવા અધિકાર વિના જો કોઈ પુરુષ વૈદિકધર્મ-આદિ કરે તો તે મુખ્ય ન હોવાથી ફળ સિદ્ધ કરી શકતું નથી. આ રીતે આધુનિક સમયમાં જે વૈદિક ધર્મકર્મ કરવામાં આવે છે તે મુર્ખ ધર્મ નથી પરંતુ નામનોજ ધર્મ છે. ‘નામ માત્ર ધર્મ કરવો તે છળ છે’. આ રીતે વેદ આદિપણ કલિકાલને વશ થઇ ફળ  સિદ્ધ કરવામાં સાધક થશે નહિ. (સર્વનિર્ણય પ્રકરણ – ૨૨૧)

 

૪. પુષ્ટિમાર્ગમાં કામ્યકર્મ નો નિષેધ છે. त्यजेत् सर्वं अवैष्णवम् हिंस्र-काम्य-अन्यदेवार्चा यदि नित्यं लौकिकं

૫. યજ્ઞ કરવામાં આવશ્યક અધિકાર (વર્ણાશ્રમ) પણ યજ્ઞ કરાવનાર વર્ગમાં રહ્યો નથી. યજ્ઞકરાવનાર વર્ગ દેવલક્ત્વ દોષોથી ગ્રસ્ત હોવાના કારણે વ્રાત્ય ને પામ્યા છે અને તેથી તેમનામાં બ્રાહ્મણત્વનો અભાવ હોવાના કારણે યાજન અને યજ્ઞનો અધિકાર રહેતો નથી. વધુ માહિતી માટે વાંચો (વિશોધનીકા – ૨)

व्रात्यप्रायाः स्वतो दुष्टा तत्र धर्मं कथं भवेत?
षड्भि: सम्पद्यते धर्म: ते दुर्लभतरा कलौ

वर्णाश्रमवतां धर्मे मुख्ये नष्टे छलन तु
क्रियमाणे धर्म स्याद ! 

૫. આવા ધનોપાર્જન અને ધર્મવિક્રયના સાધનો દ્વારા તો નરક પ્રાપ્તિ જ છે.

 

પુરુષોત્તમસહસ્રનામની મંત્ર અને સ્તોત્ર રૂપતા

 

પુરુષોત્તમસહસ્રનામ એ મંત્રાત્મક સ્તોત્ર છે. મંત્ર હોવાના કારણે તેનો જાપ અને સાથે સાથે સ્તોત્ર હોવાના કારણે તેનો પાઠ પણ થઇ શકે છે. 

મંત્રના જાપ માટે મંત્રના અંગો, વિનિયોગ અને અધિકાર જાણવા અતિ-આવશ્યક છે અન્યથા મંત્રો ફળ-દાન કરતા નથી. પુરુષોત્તમસહસ્રનામ મંત્રનાં અંગો નીચે પ્રમાણે છે -

૧. ઋષિ (આદ્ય દ્રષ્ટા) – અગ્નિ (શ્રીઆચાર્યચરણો)

૨. છંદ – ગાયત્રી

૩. બીજ / પ્રણવ – ભક્તપ્રિય ભગવાન

૪. શક્તિ (ત્રણે કાલમાં સર્વપુરુષાર્થો સિદ્ધ કરી આપનાર વાણી)- ભગવાન હરિ

૪. દેવતા – પુરુષોત્તમ શ્રીકૃષ્ણ

૫. યત્ન/મંત્ર વિચાર  – ભક્તોનાં કલેશો (ભક્તિ કરવામાં આવતા કલેશો) ની નિવૃત્તિ

૬. કિલક (કુંચીરૂપ) – પોતાના અંશાવતારો, ભક્તોનાં ઉદ્ધાર અર્થેજ, જે પ્રભુએ પ્રકટ કર્યા છે તે પ્રભુ

૭. અસ્ત્ર(આયુધ)– મંત્ર/સ્તોત્રનાં જાપ/પાઠમાં આવતા વિઘ્નોને નાશ કરવાનું સામર્થ્ય આયુધોમાં હોય છે. અહિયાં આયુધ-રૂપ સ્વયં શ્રીપ્રભુ પરમાત્મા જ  છે.

૮. કવચ -  ભગવાન ગોવિંદ (ઇન્દ્રિયોનાં સ્વામી ગોવિંદજ ઇન્દ્રિયોનો નિરોધ કરી આપે છે અને ઇન્દ્રિયોનાં વેગથી બચાવે છે))

૯. સિદ્ધિ – નિરંતર શ્રીકૃષ્ણનું સ્મરણ

૧૦. વિનિયોગ – સર્વ પુરુષાર્થોમાં (ચતુશ્લોકી પ્રમાણે શુદ્ધપુષ્ટિભક્તિમાર્ગીય ચાર પુરુષાર્થો ને સિદ્ધ કરવામાં)

૧૧. ફળ – શ્રીકૃષ્ણમાં ભક્તિ. कण्ठस्थितान्यर्थदीप्त्या बाधन्तेSज्ञानजं तमः | भक्तिं श्रीकृष्णदेवस्य साधयन्ति विनिश्चितम् || २५३ ||

૧૨. પાઠ/જાપ નો પ્રકાર: अतस्तानि प्रवक्ष्यामि नामानि मुरवैरिणः | सहस्रं यैस्तु पठितैः पठितं स्यात् शुकामृतम् ||४||  य एतत्प्रातरुत्थाय श्रद्धावान् सुसमाहितः | जपेदर्थाहितमति: स गोविन्दपदं लभेत् ||२६०|| नामानि भासुर्यशांसि जपेत्स नित्यम्... ||२५५||

 

પુરુષોત્તમસહસ્રનામ નો પાઠ અને જાપ (હોમ નહિ!!)

 

મંત્રદ્રષ્ટા શ્રીમહાપ્રભુજી આ ગ્રંથનો માત્ર જાપ અથવા પાઠજ (અર્થ, શ્રદ્ધા અને ભક્તિ પૂર્વક) કરવાની આજ્ઞા કરે છે. સંસ્કૃતમાં ‘જપ’ અને ‘પાઠ’ શબ્દોની વ્યુપત્તી નીચે પ્રમાણે થાય છે -

जप व्यक्तायां वाचि / मानसे : जप ધાતુ ને घञ પ્રત્યય લગાવવાથી થી ‘જાપ’ શબ્દ બને છે. તેનો અર્થે છે – વ્યક્ત/બોલવું અને મનન/ચિંતન કરવું.

पठ व्यक्तायां वाचि: पठ ધાતુ ને घञ પ્રત્યય લગાવવાથી થી ‘પાઠ શબ્દ બને છે. તેનો અર્થે છે – વ્યક્ત/બોલવું.

 

તેથી શ્રીઆચાર્યચરણોનો સ્પષ્ટ નિર્દેશ છે આ સ્તોત્રનો જાપ અને પાઠ કરવો. હોમ કરવાની નહિ!!

 

પુરુષોત્તમસહસ્રનામ નો વિનિયોગ અને ફળ શ્રુતિ

 

एतत्प्रातरुत्थाय श्रद्धावान् सुसमाहितः | जपेदर्थाहितमति: गोविन्दपदं लभेत् ||२६०||

જે પુરુષ પ્રાતઃ ઉઠીને તન્મયતા પૂર્વક એક ચિત્ત થઈને શ્રદ્ધાપૂર્વક જો આ નામો નો જાપ કરે તો તે પુરુષ ને ભગવાન ગોવિંદ – શ્રીગોવર્ધનધરનાં પદની પ્રાપ્તિ થાય છે. આ પુરુષે પોતાની મતિ લૌકિક અર્થો(ધનાર્જન આદિ) માંથી હટાવીને એક ચિત્તથી આ નામો નો પાઠ/જાપ કરવો. અથવા આ નામોનો અર્થ-પૂર્વક અને  કૃષ્ણમાં ભક્તિની સિદ્ધિને અર્થે જાપ/પાઠ કરવો જોઈએ.  (રઘુનાથજી દ્વારા વિરચિત નામચંદ્રિકા ટીકા)

આ ઉપરથી નીચે પ્રમાણે સિદ્ધ થાય છે -

 

વિનિયોગ: કૃષ્ણમાં ભક્તિ ની સિદ્ધિ નાં અર્થે

ફળ: શ્રીકૃષ્ણનાં ચરણો ની પ્રાપ્તિ

 

 

 

 

 

ઉપસંહાર:

·        અર્વાચીન પુરુષોત્તમ-યજ્ઞ સર્વથા અશાસ્ત્રીય અને અપુષ્ટિમાર્ગીય છે. આચાર્યદ્રોહ, શાસ્ત્રદ્રોહની પ્રાપ્તિનાં કારણે નરક પ્રાપ્ત કરાવનાર છે.

·        પુરુષોત્તમસહસ્રનામ નો નિષ્પ્રયોજન અર્થ/શ્રદ્ધા પૂર્વક અને કૃષ્ણભક્તિ નાં અર્થે જ જાપ/પાઠ કરવો.

 

 

 

ભાગવત પુરાણ/ભગવન્નામ/પુરુષોત્તમસહસ્રનામ આદિના વૃત્ત્યર્થ પઠનની નિંદા

(ક)

... ततो भागवतं कृतम् |

एतदभ्यसनात् लोको मुच्यतेSनुपजीवनात् ||५७||

साधनं परमेतद्धि श्रीभागवतमादरात् |

पठनीयं प्रयत्नेन निर्हेतुकम् अदम्भतः ||२४३||

पठनीयं प्रयत्नेन सर्वहेतुविवर्जितम् ||

वृत्यर्थं नैव युञ्जीत प्राणैः कण्ठगतैरपि ||

तदभावे यथैव स्यात् तथा निर्वाहमाचरेत् ||२५३-४|| (त. दी. नि. २|६७, २४३, २५४)

 

ત્યારે વ્યાસજીએ ભાગવત પ્રકટ કર્યું જેના અભ્યાસ (શ્રવણ-સ્મરણ-કીર્તન) થી લોકો મુક્ત થઇ શકે છે પરંતુ જો ભાગવતનો આજીવિકાર્થ ઉપયોગ ન થયો હોય તો જ. આ ભાગવત જ એક શ્રેષ્ઠ સાધન છે તેથી પ્રયત્ન-પૂર્વક, કોઈ પણ લૌકિક હેતુ કે દંભ વિના, આદરપૂર્વક આનો પાઠ કરવો જોઈએ. ભાગવતનો પાઠ પ્રયત્નપૂર્વક અન્ય કોઈ પણ હેતુ વિના કરવો જોઈએ. પ્રાણ આપણા કંઠ સુધી પણ કેમ ન આવી જાય પરંતુ આજીવિકાર્થ તો ભાગવતનો ઉપયોગ ન જ કરવો જોઈએ. ભાગવતનો આજીવિકાર્થ ઉપયોગ ન કરીને બીજી જે કોઈ પણ રીતે થઇ શકે તે રીતે પોતાનો નિર્વાહ ચલાવવો જોઈએ. (સ. નિ. ૬૭, ૨૪૩, ૨૫૪)

 

(ખ) जलार्थमेव गर्तास्तु नीचा गानोपजीविनः (जलभेद )

पञ्चमं भावम् आहुः जलार्थमेव इति. प्रक्षालनोच्छिष्ट-जलप्रक्षेपार्थमेव ये गर्ताः तत्तुल्याः नीचाः गानोपजीविनः इति अर्थः...तेन उच्छिष्ट-गर्त-जलवत् तेषां भावो संभ्दि: ग्राह्यः इति अर्थः....पौराणिकनिरुपणानन्तरं पुनः यद् गायकनिरूपणं तद् एतादृशानां पौराणिकानाम् एतद्गायक-तुल्यत्व-ज्ञापनार्थम्. (श्रीकल्याणरायजी विरचित -जलभेद-विवृति. )

 

જે લોકો ભગવદગુણગાનને પોતાની આજીવિકાનું સાધન બનાવે છે તેવા ગુણગાન કરનારાઓ તો અપવિત્ર-મલીન જળને ભેગું કરવા માટે જમીનમાં ખોદવામા આવાતા ખાડા જેવા હોય છે.  (જલભેદ-૫)

શ્રીમહાપ્રભુજી પાંચમાં ભાવનું વર્ણન કરવા માટે “જળને ભેગું કરવા માટે” શબ્દ-પ્રયોગ કરે છે. મોઢું વગેરે ધોવામાં વપરાયેલ અપવિત્ર જળને ભેગું કરવા માટે જમીનમાં જ ખાડો ખોદવામાં આવે છે જેના નીચ ભગવદગાનોપજીવીઓ હોય છે... આથી એ આશય પ્રકટ થાય છે કે વપરાયેલું ગંદુ – અપવિત્ર જળ જેમ વપરાશમાં લેવાતું નથી તેમ ભગવદગાનોપજીવીઓના ભાવો સારા મનુષ્યો માટે ગ્રાહ્ય નથી હોતા...પૌરાણિકોના ભાવનું નિરૂપણ કરીને ગાયકોના જે આ ભાવનું નિરૂપણ કરવામાં આવ્યું છે તે આવા (આજીવિકાર્થ પુરાણોનું ઉપયોગ કરનાર) પૌરાણિકો આવા ગાયકોનાં સમાન છે તે દેખાડવા માટે (શ્રીકલ્યાણરાયજી વિરચિત જલભેદ વિવૃત્તિ)

 

દુષ્ટસંગમની ઓળખ

 

(ગ) यो वदत्यन्यथावाक्यम् आचार्यवचनात् जनः | संसृतिप्रेरको वापि तत्सङ्गो दुष्टसङ्गमः||

यश्च कृष्णे रतिं नित्यं बोधयत्यप्रयोजनाम् | निरपेक्षः सात्विकश्च तत्सङ्गः साधुसङ्गमः ||

(शिक्षापत्र. ३|८-९)

આચાર્ય વચનથી વિપરીત કે સંસારપ્રેરક વાતો કે કરતો હોય તેનો સંગ દુષ્ટસંગ છે. જે કૃષ્ણમાં નિષ્પ્રયોજન નિત્યરતી વધારવાની  વાતો કરતો હોય તેમજ પોતે પણ નિરપેક્ષ તથા સાત્વિક હોય તેનો સંગ સત્સંગ જાણવો. (શિક્ષાપત્ર. ૩|૮-૯)

 

આચાર્યદ્રોહ અને નરકપાત

 

(ઘ) तस्मात् श्रीवल्लभाख्य त्वदुदितवचनादन्यथा रुपयन्ति | भ्रान्ताः ये ते निसर्गत्रिदशरिपुतया केवलान्धन्तमोगाः | (श्रीवल्लभाष्टकम्)

હે શ્રીવલ્લભ! આપે કહેલ વચનોથી વિપરીત જેઓ કોઈ કાઈક કહે છે તો તેઓ બધા ભ્રાંત અને કેવળ અન્ધન્તમ નરકને પ્રાપ્ત થનારા સહજ  આસુરી  જીવ  છે. (શ્રીવલ્લભાષ્ટક ૩)

 

લેખક:

 

-    ધવલ ભુપેન્દ્રભાઈ પટેલ (ધર્મજ - આણંદ – California) (Email: dhawalpatel1981@yahoo.com)

|| श्रीकृष्णार्पणमस्तु ||